Ponnur

"પોન્નુર ગિરિ તીર્થ"

શ્રીમદ્‍ભગવત્કુંદકુંદાચાર્યની સાધના-તપોભૂમિ "નિલગિરિ" પર્વત "પોન્નુર હીલ"ના નામથી પ્રસિદ્ધ છે. હીલ પર ચડવા માટે ૩૨૫ પગથિયાં છે અને ઉપરમાં શ્રી કુંદકુંદાચાર્યના ચરણપાદુકા બિરાજમાન કરવામાં આવ્યા છે. ચરણપાદુકાની દક્ષિણદિશામાં બે પ્રાકૃતિક ગુફાઓ આવેલી છે. પર્વતની પશ્ચિમ દિશામાં ૫ કિ.મી. દૂર પોન્નુર ગામ છે, ત્યાં અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર છે. પહાડની તળેટીમાં પણ એક વિશાળ દિગંબર જિનમંદિર છે જેમાં ધાતુના અનેક સુંદર જિનપ્રતિમાઓ બિરાજમાન છે.

પૂજ્ય ગુરુદેવશ્રીએ વિ.સં. ૨૦૧૫માં અહીં પ્રથમવાર સંઘસહિત યાત્રા કરી હતી. ત્યારબાદ અનેક મુમુક્ષુઓએ આ પોન્નુરતીર્થના યાત્રા-દર્શનનો લાભ લીધો છે. મુમુક્ષુઓની એવી ભાવના રહેતી કે વ્હાલા ગુરુદેવશ્રીનાં પણ ઉપકારી એવા શ્રીમદ્‍ભગવત્કુંદકુંદાચાર્યની તપોભૂમિ, વિદેહગમન સ્થળ અને શ્રી સમયસારાદિ પરમાગમોની અક્ષરદેહભૂમિ એવા પોન્નુરગિરિતીર્થમાં વિદેહીનાથ શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બને તો વિદેહીનાથ સીમંધરસ્વામી, સદેહે વિદેહના યાત્રિક કુંદકુંદમહારાજ અને વિદેહથી પધારેલ જીવો વચ્ચેનો સેતુ બંધાઈ જાય. મુમુક્ષુઓની ઉત્તમ ભાવનાના ફળ સ્વરૂપે વિક્રમ સંવત ૨૦૬૦માં પોષ સુદ ૧૦ના મંગલ દિવસે અહીં તળેટીમાં "શ્રી સીમંધરસ્વામી દિગંબર જિનમંદિર"ની સ્થાપના તઈ, જેમાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં જ પવિત્ર કરકમળો વડે પંચકલ્યાણક થયેલ શ્રી આદિનાથસ્વામી, શ્રી મહાવીરસ્વામી તથા શ્રી સીમંધરસ્વામી વગેરે જિનબિંબોની વિધિપૂર્વક વેદિપ્રતિષ્ઠા કરવામાં આવી. જિનાલયના સંકુલમાં એક સ્વાધ્યાય હોલ, ગ્રંથાલય, યાત્રિનિવાસ, ભોજનાલય વગેરેનું પણ નિર્માણ થયું છે.

આ ક્ષેત્રમાં "આચાર્ય કુંદકુંદ જૈન સંસ્કૃતિ કેન્દ્ર" ચલાવવામાં આવે છે, જેમાં તાડપત્રો તથા પાંડુલિપિનો સંગ્રહ તથા સંરક્ષણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા એક તામિલ માસિક પત્રિકા "અરુગન તત્વામ્" અને દ્વિમાસિક અંગ્રેજી પત્રિકા "AKKER NEWS" પ્રકાશિત થાય છે અને શિબિર, પ્રવચનો વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.


વિક્રમ સંવત ૨૦૧૫.
પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરધામની પ્રથમવારની ઉલ્લાસભરી યાત્રા.

લગભગ ૯ વાગે પોન્નુર પહોંચી ગયા હતાં. અહીં એક નાનકડો ખૂબ જ રળિયામણો પર્વત છે... આ પર્વત કુંદાકુંદાચાર્યદેવની તપોભૂમિ છે. તેઓશ્રી અહીં ધ્યાન કરતા હતા... એટલું જ નહીં, પરંતુ તે ઉપરાંત તેઓશ્રી અહીંથી વિદેહક્ષેત્રે ગયા હતા ને અહીં જ પરમાગમોની રચના કરી હતી. આવી કુંદકુંદપ્રભુની પવિત્ર ભૂમિમાં આવતાં ગુરુદેવ વગેરે સૌને ઘણો જ આનંદ થયો... અનેક ચંપાના વૃક્ષોથી એ પોન્નુર ધામ શોભી રહ્યું છે... 'પોન્નુર'નો અર્થ થાય છે 'સુવર્ણનો ડુંગર'. તેના ઉપર કુંદકુંદાચાર્યદેવના મહામંગળ ચરણપાદુકા છે. કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોના પ્રતાપે આ પોન્નુરધામ સુવર્ણના ડુંગર કરતાં પણ વધારે સુશોભિત લાગે છે. પૂ. ગુરુદેવ ચાલીને પર્વત ઉપર ચડી ગયા... પર્વત ચડતાં દસેક મિનિટ લાગે છે... પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાંતાબેન પણ ચાલીને પર્વત ઉપર ચડ્યા હતા, ને પર્વતનું દ્રશ્ય જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા.

પર્વત ઉપર આવીને ગુરુદેવે ઘણા ભાવથી એ પવિત્ર ક્ષેત્રનું અવલોકન કર્યું. પર્વત ઉપર ચંપાના પાંચ વૃક્ષો છે... જ્યાં કુંદકુંદપ્રભુના ચરણકમળ સ્થાપિત છે તેની બરાબર ઉપર એક ચંપાનું ઝાડ છે ને તેના ઉપરથી ખરતાં ચંપા-પુષ્પો કુદરતે કુંદકુંદપ્રભુના ચરણો ઉપર પડે છે. - એ રીતે એ ચંપા-પુષ્પો કુંદકુંદપ્રભુની જગત્પૂજ્યતા પ્રસિદ્ધ કરી રહ્યા છે. શરૂઆતમાં ઘણા ભાવથી કુંદકુંદાચાર્યદેવનું સમુહ પૂજન થયું. ઉત્સાહભર્યા પૂજન બાદ ગુરુદેવે ઘણા જ ભક્તિભાવથી નીચેનું સ્તવન ગવડાવ્યું.

એવા કુંદપ્રભુ અમ મંદિરિયે...
એવા આતમ આવો અમ મંદિરિયે...
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યું...
જેણે વન જંગલમાં શાસ્ત્ર રચ્યું...
ઓમકાર ધ્વનિનું સત્વ સાધ્યું...
-એવા કુંદપ્રભુ અમ મંદિરિયે.
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા...
જેણે જીવનમાં જિનવરને દેખ્યા...
જેણે જીવનમાં સીમંધરપ્રભુ દેખ્યા...
- એવા કુંદપ્રભુ અમ મંદિરિયે.

- ઇત્યાદિ ભક્તિ ઘણા જ ભાવપૂર્વક થઈ હતી... ગુરુદેવના મુખે કુંદકુંદપ્રભુની આવી સરસ ભક્તિ સાંભળતાં બેનશ્રીબેન વગેરેને ઘણો જ હર્ષ થતો હતો. કુંદકુંદપ્રભુના ધામની આ યાત્રાથી ગુરુદેવને તેમ જ એકેએક ભક્તજનને હૃદયમાં અદ્‍ભુત ભક્તિ ને ઉલ્લાસની ઉર્મિઓ ઉછળતી હતી.

ભક્તિ પછી, કુંદકુંદપ્રભુના આ પવિત્ર ધામની ગુરુદેવની સંઘ સહિત મહાન યાત્રાના એક સંભારણા નિમિત્તે અહીં કુંદકુંદપ્રભુના ચરણકમળ ઉપર એક મંડપ બંધાવવાનો વિચાર થતાં તે માટે ફંડ થયું હતું. તેમાં ચારેક હજાર રૂ. થયા હતા; જેમાં ૧૫૫૫ રૂ. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર-સોનગઢ તરફથી જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ગુરુદેવે ઘણા ઉલ્લાસથી પોતાના પરમગુરુ ભગવાન કુંદકુંદપ્રભુના પાવન ચરણોનો અભિષેક કર્યો હતો... અભિષેક પ્રસંગે ગુરુદેવ વગેરેના હૃદયમાં કુંદકુંદપ્રભુ પ્રત્યે કેટલી પરમભક્તિ ભરેલી છે તે દેખાતું હતું; - જાણે કે તેઓના અંતરમાં ભરેલી ભક્તિનો પ્રવાહ જ જળરૂપે બહાર આવીને કુંદકુંદપ્રભુના ચરણોનો અભિષેક કરતો હોય !!

અભિષેકાદિ બાદ પહાડ ઉપરની નાની નાની 3 ગુફાઓ, ચંપાના વૃક્ષો વગેરેનું અવલોકન કરીને સૌ નીચે ઉતર્યા હતા... ઉતરતાં ઉતરતાં.. પૂ. બેનશ્રીબેન આશ્ચર્યકારી ભક્તિદ્વારા આજની યાત્રાનો ઉત્સાહ અને કુંદકુંદપ્રભુ પ્રત્યેની પરમભક્તિ વ્યક્ત કરતા હતા... આ રીતે પોન્નુરમાં કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિની યાત્રા ઘણા જ આનંદથી થઈ... જાણે સાક્ષાત્ કુંદકુંદપ્રભુના જ દર્શન થયા હોય- એવો આનંદ ભક્તોને આ યાત્રામાં થયો.

પરમ ઉપકારી કુંદકુંદાચાર્ય ભગવાનને નમસ્કાર હો...
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરને નમસ્કાર હો...
કુંદકુંદપ્રભુના પવિત્ર ધામની યાત્રા કરાવનાર કહાનગુરુદેવને નમસ્કાર હો...

યાત્રા બાદ પોન્નુર પર્વતની તળેટીમાં જ મંડપ બાંધીને ગુરુદેવને અભિનંદનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.... કુંદકુંદપ્રભુના પવિત્ર ધામની આ ઉલ્લાસભરી યાત્રાથી ગુરુદેવને વિશેષ ઉલ્લાસ આવતાં, ઉપર જે રૂ. ૧૫૫૫ જૈન સ્વાધ્યાયમંદિર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા તેને બદલે રૂ.૫૫૫૫ જાહેર કરવામાં આવ્યા.... અહીં ગુરુદેવના દર્શન વગેરે માટે આસપાસથી દોઢ હજાર જેટલા માણસો આવી પહોંચ્યા હતા... પોન્નુરની આસપાસ જૈનધર્મનો ખૂબ ફેલાવો છે, ને ત્યાંની જનતામાં આ પોન્નુર તીર્થનો ઘણો મહિમા છે.

પોન્નુર-તળેટીમાં મંગલ પ્રવચન કરતાં ગુરુદેવે કુંદકુંદપ્રભુનો મહિમા વ્યક્ત કર્યો હતો

અકલંક વસતી

મદ્રાસ જતાં વચ્ચે કેરેન્ડેમાં બે જિનમંદિરોના દર્શન કર્યા... એક જિનમંદિરનું નામ 'અકલંક વસતી' છે. અકલંકસ્વામીનો બૌદ્ધો સામેનો મોટો વાદવિવાદ અહીં થયો હતો અને વાદવિવાદમાં જીત્યા બાદ તેમણે અહીં ધ્યાન કર્યું હતું... તે સંબંધી એક ચિત્ર મંદિરની દિવાલમાં કોતરેલું છે. તેમ જ અકલંકસ્વામીની સમાધિનું સ્થાન પણ અહીં છે. ગુરુદેવ અહીં પધારતાં આસપાસના હજાર જેટલા માણસો આવ્યા હતા, અને અકલંકવસતીમાં તામિલ ભાષામાં ગુરુદેવને સ્વાગતપત્રિકા અર્પણ કરી હતી; ત્યારબાદ ગુરુદેવે ત્યાં મંગલ પ્રવચન કરીને અકલંકસ્વામી, કુંદકુંદસ્વામી વગેરે સંતોનો મહિમા કર્યો હતો. પ્રવચન બાદ ગુરુદેવને અભિનંદપત્ર આપવામાં આવ્યું હતું. જૈનધર્મના મહાન પ્રભાવક અકલંકસ્વામીનું સ્થાન નીરખતાં ગુરુદેવને અને ભક્તોને આનંદ થયો હતો


વિક્રમ સંવત ૨૦૨૦. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરધામની બીજીવારની યાત્રા.

બેંગલોરથી રાણીપેઠ થઈને વંદેવાસ આવ્યા.... કુંદકુંદપ્રભુના ધામમાં જતાં આજે કોઈ અચિંત્ય ભક્તિ થઈ હતી.

વંદેવાસ પોન્નૂરપર્વત પાસેનું મોટું ગામ છે; ત્યાં જિનાલયમાં સીમંધરભગવાનની ખડ્‍ગાસન પ્રતિમાના દર્શન કરતાં આનંદ થયો. બીજે દિવસે સવારમાં (તા.૨૬ જાન્યુ. ૧૯૬૪) મહા સુદ ૧૨-૧૩ના રોજ પોન્નૂરની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. વંદેવાસથી લગભગ પાંચ માઈલ દૂર પોન્નૂરપહાડ છે. આનંદથી કુંદકુંદપ્રભુની ભક્તિ ગાતાં ગાતાં ગુરુદેવ સાથે દસેક મિનિટમાં પર્વત પર પહોંચ્યા. અહા ! કુંદકુંદપ્રભુએ જ્યાંથી શ્રુતગંગા વહાવી અને વિદેહયાત્રા કરી એવા આ પાવનધામની રમણીયતા કોઈ અનેરી જ છે. ચંપાવૃક્ષની નીચે એક શ્યામશિલા પર કુંદકુંદદેવના લગભગ બે ફૂટ લાંબા ચરણપાદુકા કોતરેલા છે. તેની ઉપર દેરી અને તેની સન્મુખ વિશાળમંડપ બંધાયેલ છે. કહાનગુરુ બહુ જ ભક્તિભાવથી પરમગુરુના એ પાવન ચરણોને ભેટ્યા.... ભાવપૂર્વક ચરણસ્પર્શન કર્યું ને પછી પૂજન થયું.

આસપાસના અનેક ગામો જૈનવસ્તીથી ભરપૂર છે. ત્યાંથી અને યાત્રિકો આ યાત્રાઉત્સવમાં આવ્યા હતા. પર્વત ઉપર પાંચ હજાર જેટલા યાત્રિકો ભેગા થયા હતા ને યાત્રાસંઘની કુંદકુંદપ્રભુ પ્રત્યેની ભક્તિ દેખીને પ્રસન્ન થતા હતા. પૂજન બાદ ગુરુદેવે કુંદકુંદપ્રભુની ભક્તિ ગવડાવી :- "મન લાગ્યું રે કુંદકુંદદેવમાં". એ સ્તવન ગાતાં ગાતાં ગુરુદેવને બહુ ભાવો ઉલ્લસતા હતા. પછી પૂ.બેનશ્રીબેને વિધવિધ સ્તવનો વડે સુંદર ભક્તિ કરાવી હતી. "ગુરુકહાન તારા ચરણમાં ફરી ફરી કરે છે વંદના" એ સ્તવન પછી બીજું એક સ્તવન એવું ગવાયું કે તેમાં ભક્ત પોન્નૂરગિરિને પ્રશ્ન પૂછે છે કે 'હે પર્વત ! મારા કુંદકુંદપ્રભુ કેવા હતા ? એના સન્દેશા તું મને સુણાવ...' અને પર્વત જાણે કે એનો જવાબ આપે છે ! ઇત્યાદિ અનેક રચનાયુક્ત ભક્તિ થઈ હતી. ખૂબ જયજયકારથી વાતાવરણ ગાજી રહ્યું હતું. પર્વતની શિલાઓ ને વૃક્ષો પણ યાત્રિકોથી ઉભરાઈ રહ્યા હતા. - આમ ગુરુદેવ સાથે ઘણા આનંદપ્રમોદપૂર્વક કુંદકુંદપ્રભુના પોન્નૂરધામની યાત્રા કરી.

યાત્રા કરીને નીચે આવતાં તળેટીમાં હજારો ભક્તો સહિત હાથીએ ગુરુદેવનું સ્વાગત કર્યું. તળેટીમાં તો મોટો મેળો ભરાયો હતો. પોન્નૂર પહાડથી ત્રણેક માઈલ દૂર પોન્નૂર ગામ છે. ત્યાંના બે જિનમંદિરોનાં દર્શન કર્યા. અહીંના જિનમંદિરમાં કુંદકુંદસ્વામી દર્શન કરવા પધારતા હતા. એ મંદિરમાં દર્શન કરતાં ઘણો આનંદ થયો. એ ઉપરાંત વંદેવાસની બાજુમાં 'સપ્તમંગલમ્' માં પણ જિનમંદિરના દર્શન કર્યા. પોન્નૂરની સામે નજીકમાં જ ધવલગિરિ નામનો પહાડ છે, વીરસેનસ્વામીએ ધવલાટીકાની રચના એ ધવલગિરિ ઉપર કરી હોવાનું મનાય છે. ગુરુદેવને એ સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ હતી. બપોરે પ્રવચન હાઈસ્કૂલના ચોગાનમાં હતું, તેમાં ગુરુદેવ હિન્દીમાં બોલતા ને વચ્ચે પા-પા કલાકે તેનું તામિલ ભાષાંતર કરવામાં આવતું હતું. પ્રવચન વખતે ત્રણ-ચાર હજાર માણસોની સભામાં કુંદકુંદપ્રભુનો ઘણો મહિમા ગુરુદેવે કર્યો હતો; 'અહા ! તેમણે તો સીમંધરપ્રભુના સાક્ષાત્ દર્શન કરીને આ ભરતક્ષેત્રમાં-આ સ્થાનેથી-શ્રુતની નવીન પ્રતિષ્ઠા કરી છે.' પ્રવચન બાદ બીજા દિવસે પોન્નૂર પર કુંદકુંદપ્રભુના ચરણોના અભિષેકનો કાર્યક્રમ જાહેર થયો ને તે માટેની ઉછામણીમાં લગભગ ત્રીસ હજાર રૂ. થયા હતા

બીજા દિવસે (મહા સુદ ૧૪) સવારમાં ફરીને પોન્નૂરધામની યાત્રા કરવા ચાલ્યા. અહા ! જાણે કુંદકુંદપ્રભુજી સાક્ષાત્ દર્શન દેવા પધાર્યા હોય - ને તેમના દર્શન કરવા જતા હોઈએ-એવો આજે યાત્રિકોનો ઉમંગ હતો. દર્શનાદિ બાદ અભિષેકવિધિનો પ્રારંભ કરતાં ગુરુદેવે કહ્યું ; જુઓ, સૌ શાંતિથી સાંભળો... આજે આ કુંદકુંદપ્રભુનો મોટો અભિષેક થાય છે. તેઓ વિદેહક્ષેત્રે ગયા હતા, ને સીમંધર ભગવાનની વાણી સાંભળી હતી અને અહીં આવીને શાસ્ત્રો રચ્યા હતા. આજે મહા સુદ ૧૪ છે; આજનો અપૂર્વ દિવસ છે. અહીંથી ઉપર ગગનવિહાર કરીને તેઓ ભગવાન પાસે ગયા હતા. તેમનો આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. તેમના અભિષેક-પૂજા થાય છે. આમ કહીને ગુરુદેવે પોતે માંગળિકપૂર્વક પૂજન શરૂ કર્યું. આજના પૂજનની એ વિશેષતા હતી કે ગુરુદેવ એકલા પૂજન પાઠ બોલતા હતા ને સૌ યાત્રિકો ભક્તિથી સાંભ્ળતા હતા. બેનશ્રીબેન સ્વાહામંત્ર બોલે ત્યારે હજાર હજાર યાત્રિકો એક સાથે અર્ઘ ચડાવતા હતા. પૂજન કરતાં કરતાં વચ્ચે અનેક પ્રકારે કુંદકુંદપ્રભુનો, પોન્નૂરનો ને યાત્રાનો મહિમા ગુરુદેવ કરતા જતા હતા. તેઓ કહે કે આપણું ગામ પણ 'સોનગઢ' ને આ પોન્નૂરનો અર્થ પણ 'સુવર્ણનો ગઢ' થાય છે. જેમ સોનાને કદી કાટ નથી તેમ પરમાર્થસિદ્ધાતમાં કદી ફેર પડતો નથી. ભક્તિથી અષ્ટવિધ પૂજન બાદ જયમાલામાં એક કડી ગુરુદેવ બોલતા ને એક કડી ભક્તો બોલતા. પૂજન પછી અભિષેક પાઠ પણ ગુરુદેવ બોલ્યા હતા. અને પછી હાથમાં સુવર્ણકલશ લઈને કહાનગુરુ જ્યારે પોતાના પરમગુરુના ચરણ પ્રક્ષાલન કરવા ઊભા થયા ત્યારે હજારો ભક્તોના હર્ષોલ્લાસથી પોન્નૂર પહાડ ગૂંજી રહ્યો... બહુજ ભાવપૂર્વક કહાનગુરુએ પોતાના ગુરુનું પાદપ્રક્ષાલન કર્યું. કહાનદ્વારા કુંદકુંદચરણોના અભિષેકનું આ દ્રશ્ય દસ હજાર જેટલી આંખો નિહાળી રહી હતી. અનેક યાત્રિકો નાચી ઉઠ્યા હતા. બીજા સેંકડો ભક્તોએ પણ અભિષેક કર્યો. ગુરુદેવને આજે કોઈ અનેરા ભાવો ઉલ્લસ્યા હતા. કેવો અચિંત્ય કુંદકુંદમહિમા તેમના હૃદયમાં ભર્યો છે તે અહીં જોવા મળ્યો. ઘણા ઘણા ઉદગારો વડે તેમણે એ મહિમા પ્રસિદ્ધ કર્યો."હે કુંદકુંદ શિવચારી તુમકો લાખો પ્રણામ" ઇત્યાદિ ભક્તિ ગવડાવી. અને આજની યાત્રા તથા અભિષેકના મહા આનંદની સ્મૃતિરૂપે હસ્તાક્ષર આપતાં પોન્નૂર પર બેઠાં બેઠાં લખ્યું કે 'શ્રી સીમંધર ભગવાનના દર્શન કરનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્યાદિ નમોનમઃ' પછી પૂ.બેનશ્રીબેને પણ અંતરની અનેરી ઉર્મિઓથી ભક્તિ કરાવી. તેઓશ્રીને પણ આજે ગુરુદેવે સાથે યાત્રા કરતાં અચિંત્ય ઉલ્લાસ હતો. પગલાંની બાજુમાં નાની ગૂફાઓ છે. તેનું પણ ગુરુદેવ સાથે સૌએ અવલોકન કર્યું. પોન્નૂરયાત્રા ના રંગીન ચિત્ર સહિત 'આત્મધર્મ'નો 'કુંદકુંદ અભિનંદનઅંક' અહીં પોન્નૂર ઉપર ગુરુદેવના હાથમાં અર્પણ થયો. અનેક અભિનંદનપત્રો પણ (તામિલ વગેરેમાં) અપાયા.... આમ ગુરુદેવ સાથે ઘણા મહાન ઉલ્લાસપૂર્વક પોન્નુરધામની યાત્રા પૂર્ણ થઈ.

યાત્રા કરીને નીચે પધારતાં તળેટીમાં હજારો તામિલ બંધુઓએ ગુરુદેવનું સન્માન કર્યું. બપોરેનું પ્રવચન પણ અદ્‍ભુત હતું. પ્રવચન બાદ ત્યાંના શાસ્ત્રીજીએ ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું અને તેમાં કહ્યું કે પહેલાં અમારી પાસે અહીં એક ચુંબક હતું, ને એ ચુંબક જ આજે આ સ્વામીજીને અહીં સુધી ખેંચી લાવ્યું છે. એ ચુંબક તે કુંદકુંદાચાર્ય ! ક્યાં પોન્નુર ને ક્યાં સૌરાષ્ટ્ર ! છતાં એ બંનેને એક સૂત્રથી સાંકળનાર આ સમયસાર છે. વગેરે અનેક સુંદર વાત તેમણે ભાષણમાં કરી. અનેક અભિનંદન પત્રો પણ વંચાયા. ત્યારબાદ હજારો લોકોના વિશાળ સમુદાય સાથે ગુરુદેવને ધામધૂમથી ગામમાં ફેરવીને તામિલદેશની જનતાએ હાર્દિક બહુમાન કર્યું. જાણે કુંદકુંદ ભગવાનના આ પ્રતિનિધિ એમનો જ સન્દેશો લઈને આવ્યા હોય- એવો સૌને ઉમંગ હતો

જય હો સીમંધરભક્ત પ્રભુ કુંદકુંદનો !
જય હો પોન્નુરના એ પવિત્ર સન્તનો !
જય હો એ સમયસાર - દાતારનો !
જય હો કુંદપ્રભુના ભક્ત ગુરુકહાનનો !
જય હો પોન્નુર પાવન તીર્થધામનો !


વિક્રમ સંવત ૨૦૩૪. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરધામની ત્રીજીવારની યાત્રા.

તા.૧૩-૩-૭૮ના સવારે પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે લગભગ ૮૦૦ થી ૧૦૦૦ યાત્રિકોએ પોન્નુરગિરિની યાત્રા કરીને સદેહે મહાવિદેહની યાત્રા કરનાર ધર્મધુરંધર મહાન આચાર્યભગવંત શ્રી કુંદકુંદદેવના ચરણચિહ્નના અભિષેક તથા દર્શનનો પાવનકારી લાભ લીધો હતો. ભગવાન શ્રી સીમંધર સ્વામીના દર્શનના વિરહનો વિકલ્પ ઉઠતાં જે સ્થાનેથી મહાવિદેહક્ષેત્રની યાત્રા કરીને જે સ્થાને પાછા આવ્યા ને જ્યાં પરમાગમોની રચના કરી તે પાવન તપોભૂમિની યાત્રાનો સુઅવસર પ્રાપ્ત થતાં સમસ્ત ભાવિકોના હૃદય અત્યંત હર્ષોલ્લાસ અનુભવતાં હતાં

ચરણચિહ્નના દર્શન અને સમૂહ પૂજા કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ 'ધન્ય મુનિશ્વર આતમ હિતમેં' - એ મુનિભાવનાની ભક્તિ કરાવી હતી. ત્યાર બાદ પૂજ્ય બહેનશ્રીબેને 'આજે ગુરુજી મારા પોન્નુર પધાર્યા રે' - એ ભક્તિ કરાવી હતી. આ ભક્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેને ખાસ પોન્નુર-યાત્રા માટે પોતે બનાવી હતી.

પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ ભાવવાહી ઉદગારો દ્વારા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું સ્મરણ કરતા કહ્યું કે : કુંદકુંદાચાર્ય અહીં ધ્યાન કરતાં હતાં. તેમના અંતરમાં ભગવાનના વિરહ લાગતા અહીંથી મહાવિદેહ ગયા ત્યાં સમવસરણમાં ભગવાનની વાણી સાંભળી ને પાછા આવીને આ સ્થળે શ્રી સમયસાર આદિ પરમાગમોની રચના કરી. અહીંથી જાણે કુંદકુંદાચાર્ય સાક્ષાત્ વિદેહક્ષેત્ર જઈ રહ્યા હોય એમ લાગે છે. અત્યારે આ પગલા રહી ગયા છે. વિગેરે ઉદ્‍ગારો સાંભળતા ભક્તો પોતાને ધન્યપણે અનુભવી રહ્યાં હતાં. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે પોન્નુરગિરિની યાત્રા કરી રહેલા ભક્તોની ભીડ દેખીને અહા ! જાણે પૂજ્ય ગુરુદેવશ્રીના પગલે પગલે મુક્તિની વણઝાર ચાલી જતી હોય એમ લાગતું હતું. પ્રભુ ભક્તિ પછી ભગવાન શ્રી સીમંધરસ્વામીના દરબારમાં શ્રી કુંદકુંદદેવના સાક્ષાત્ દર્શન કરનાર તેમ જ શ્રી કુંદકુંદાચાર્યના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમળથી આચાર્યદેવના ચરણચિહ્નનો અભિષેક થયો હતો.