Kundadri

વિક્રમ સંવત ૨૦૧૫. પૂજ્ય ગુરુદવશ્રી દ્વારા
કુંદપ્રભુના સમાધિસ્થાન કુંદાદ્રિ (કુંદનગીરી)ની પ્રથમવારની યાત્રા.

મહા વદ બીજના રોજ સવારમાં કુંદકુંદાચાર્ય પ્રભુના પવિત્ર ચરણોને ભેટવા માટે ગુરુદેવે કુંદકુંદપર્વતની યાત્રા શરૂ કરી.... કુંદકુંદપ્રભુ જે ભૂમિમાં વિચર્યા તે પવિત્ર ભૂમિમાં વિચરતાં ગુરુદેવને ઘણી ભક્તિ અને પ્રમોદભાવ ઉલ્લસતા હતા.... કુંદકુંદપ્રભુની ભૂમિમાં ગુરુદેવની સાથે વિચરતાં પૂ. બેનશ્રીબેનને પણ અતિશય ભક્તિ અને હર્ષ થતા હતા.... યાત્રિકો પણ હુમચાથી કુંદનગીરી આવી પહોંચ્યા હતા.

અહીં કુંદાપુરમાં એક સુંદર રળિયામણો પર્વત છે, તેના ઉપર કુંદકુંદાચાર્યદેવનું સમાધિસ્થાન છે. કુંદકુંદપ્રભુના પ્રતાપે તેનું નામ "કુંદાદ્રિ" (કુંદગીરી) પડ્યું છે. પર્વત ગીચ ઝાડીથી છવાયેલો છે.... હૃદયમાં કુંદકુંદપ્રભુનું સ્મરણ અને ભક્તિ કરતાં કરતાં ગુરુદેવ સાથે ભક્તો ઉપર પહોંચ્યા.... પર્વત ઉપર એક પુરાણું જિનાલય છે, તેમાં પાર્શ્વનાથ વગેરે ભગવંતો બિરાજે છે; તેની સન્મુખ માનસ્તંભ છે; બાજુમાં એક સુંદર કુંડ છે, તેના કિનારે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના અતિ પ્રાચીન ચરણપાદુકા કોતરેલા છે. આસપાસનું દ્રશ્ય ઘણું સુંદર ને ભાવવાહી છે. અહીં પૂ. ગુરુદેવને ઘણો ભાવ ઉલ્લસ્યો હતો.... કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોનો તેમણે ભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો.... ને ભાવભીના ચિત્તે ભક્તિ પણ કરાવી હતી.... પૂ.બેનશ્રીબેને પણ અહીં ઘણા રંગથી ભક્તિ કરાવી હતી.... ગુરુદેવ સાથે કુંદકુંદપ્રભુના આ પાવન ધામની યાત્રાથી ભક્તોને ઘણો આનંદ અને ઉત્સાહ આવ્યો હતો.... અને ગુરુદેવ સાથે આ મહાન ઐતિહાસિક યાત્રાના કાયમ સ્મરણ માટે આ તીર્થધામમાં કાંઈક યાદગીરી બનાવવા માટે લગભગ ૧૨૦૦૦રૂ.નું ફંડ થયું હતું.

જિનમંદિરો અહીં "બસદિ અથવા વસતિ" તરીકે ઓળખાય છે. તળેટીમાં જૈનમઠની આસપાસ પ્રખ્યાત ભંડારા બસદિ, માનસ્થંભ, અક્કાન બસદિ, મંગા બસદિ, સિદ્ધાંત બસદિ, નગર જિનાલય તથા કલ્યાણી મંદિરો આવેલાં છે.

અહીં શ્રી શંકરરાવ ગોડે વગેરેએ ગુરુદેવ પ્રત્યે તેમજ સંઘની વ્યવસ્થા માટે ઘણો પ્રેમ બતાવ્યો હતો.... હુમચાના ભટ્ટારકજી પણ અહીં આવ્યા હતા. બપોરે શંકરરાવ ગોડે તેમજ ભટ્ટારકજીની ખાસ માંગણીથી ગુરુદેવે oll કલાક પ્રવચન કર્યું હતું... જેમાં કુંદકુંદપ્રભુનો પરમમહિમા અને આદરભાવ પ્રસિદ્ધ કર્યો હતો... પ્રવચન બાદ એક બાળકે કન્નડ ભાષામાં સ્વાગતગીત ગાયું હતું. તેમજ સ્થાનિક કાર્યકરો વતી ગુરુદેવના સ્વાગત અને અભિનંદન સંબંધી હુમચાના ભટ્ટારકજીએ ઘણું ભાવભીનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ગુરુદેવે તથા સંઘે મૂડબિદ્રી તરફ પ્રસ્થાન કર્યું હતું... રસ્તામાં વચ્ચે સુંદર ઘાટ અને ગીચ ઝાડીઓનાં રમણીય દ્રશ્યો આવે છે. ઊંચાનીચા પર્વતો, પાણીના ઝરણાંઓ, ખીણો ને ઝાડીઓનું શાંતરમણીય વાતાવરણ વનવાસી મુનિવરોની શાંતપરિણતિની યાદ દેવડાવતું હતું.


વિક્રમ સંવત ૨૦૨૦. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા
કુંદપ્રભુના સમાધિસ્થાન કુંદાદ્રિ (કુંદનગીરી)ની બીજીવારની યાત્રા.

હુમચાથી કુંદકુંદપ્રભુની ભક્તિ કરતાં કરતાં કુંદાદ્રિ આવ્યા ને યાત્રા કરવાની ધૂનમાં મોટરબસો લગભગ અડધા પહાડ ઉપર તો ચડી ગઈ. કુંદાદ્રિપહાડ ગીચ ઝાડીથી છવાયેલો છે, ને તેમાં મોટર લગભગ ઠેઠ ઉપર સુધી જઈ શકે તેવા રસ્તા તૈયાર થયા છે. દશેક વર્ષ પહેલાં તો આ પહાડ ઉપર ચાલીને જવાનું પણ મુશ્કેલ પડતું. કોઈ મોટરો દ્વારા તો કોઈ પગપાળા કુંદકુંદપ્રભુના પાવનધામમાં આવી પહોંચ્યા. ઉપરના મનોહર-ઉપશાંત વાતાવરણમાં, પાપવિધ્વંસીની તળાવડીના કાંઠડે પ્રાચીન મંદિર અને માનસ્તંભ છે. તેની બાજુમાં કુંદકુંદપ્રભુના પ્રાચીન ચરણકમણ કોતરેલા છે. આ ચરણપાદુકા પાસે એક હોલ બાંધવામાં આવ્યો છે. ગુરુદેવ ભાવપૂર્વક કુંદપ્રભુના ચરણોને ભેટ્યા, ભાવથી ચરણસ્પર્શ કર્યા, અભિષેક કર્યો; ને પછી પૂજન થયું. ણ્મોક્કારમંત્ર અને કુંદકુંદદેવાય નમઃ એમ બોલીને ગુરુદેવે પૂજનની શરૂઆત કરાવી. પૂજન બાદ ઘણા ઉત્સાહથી ભક્તિ થઈ. સ્તવનમંજરીમાંથી ગુરુદેવે ભજન ગવડાવ્યું -

આજે મંગલકારી મહા સૂર્યોદય ઊગીયો રે...
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર...
શ્રી કુંદકુંદપ્રભુજી શાસનશિરોમણિ થયા રે...
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે...
જેની આતમશક્તિની કરવી શું વાત ?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે...

ગુરુદેવ ઘણા જ ભક્તિભાવથી એ ભજન ગવડાવતા હતા. ભક્તિ બાદ આ યાત્રાની આનંદકારી સ્મૃતિમાં હસ્તાક્ષર આપતાં ગુરુદેવે લખ્યું કે "કુંદનગિરિ પાવન કરનાર કુંદકુંદદેવને નમઃ" પછી પહાડ ઉપરનું પ્રાચીનમંદિર-કે જેમાં કુંદકુંદસ્વામી દર્શન કરતા-તે મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ મંદિરસન્મુખના ચોકમાં મુનિભક્તિ થઈ. તેમાં પૂ. બેનશ્રીબેને કુંદકુંદપ્રભુની લગનીનું ભાવભીનું સ્તવન ગવડાવીને અદ્‍ભુત ભક્તિ કરાવી હતી. - આમ આનંદપૂર્વક ગુરુદેવ સાથે કુંદાદ્રિધામની યાત્રા કરીને, ઉલ્લાસભરી ભક્તિ ગાતાંગાતાં સૌ નીચે ઊતર્યા... બપોરે ગુરુદેવે વીસેક મિનિટ પ્રવચન કર્યું ને ગુરુદેવના સન્માનનની વિધિ થઈ... ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરીને ઘનઘોર ગીચ ઝાડી વચ્ચેથી પ્રવાસ કરતાં, રંગ લાગ્યો રે મને રંગ લાગ્યો.... ઇત્યાદિ આનંદકારી ભક્તિ કરતાં કરતાં, તીર્થંકરોને-સંતોને અને તીર્થધામોને યાદ કરતાં કરતાં મૂડબિદ્રિ આવી પહોંચ્યા.