Javascript Menu by Deluxe-Menu.com
 

 

 
  Please enter your search string   in  ગુજરાતી  |  हिन्दी  |  English     
 

શ્રવણબેલગોલા - Page 1

 

શ્રવણબેલગોલા - એક ઐતિહાસિક તીર્થધામ

કર્ણાટક રાજ્યમાં આવેલું શ્રવણબેલગોલા દક્ષિણભારતનું લગભગ ૨૩૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક તીર્થધામ છે અને જૈનધર્મના ગ્રંથો, સંસ્કૃતિ અને સ્થાપત્યનું પ્રસિદ્ધ કેન્દ્ર છે. આ નગરનું શ્રવણબેલગોલા નામ વિંદ્યગિરિ (પહેલાં ઇન્દ્રગિરિ તરીકે ઓળખાતું) અને ચંદ્રગિરિ પહાડોની વચ્ચે આવેલ શ્વેત-તળાવ (કન્નડમાં બિલિ-ગોડ)ના કાંઠે મુનિરાજના ઉપદેશનું શ્રવણ કરવા આવતા શ્રોતાજનોને કારણે પડ્યું છે. વિંદ્યગિરિ પર ૫૭ ફુટ ઉન્નત અખંડ શિલામાંથી નિર્મિત ગોમટ્ટેશ્વર ભગવાન બાહુબલીની સાતિશય પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા ઇ.સ.૯૮૧માં શ્રી ચામુંડરાય દ્વારા પ્રતિષ્ઠિત કરાવવામાં આવી હતી. દર ૧૨ વર્ષે ભગવાન બાહુબલીનો મહામસ્તકાભિષેક થાય છે, જેનો લાખો ભાવિકો લાભ લે છે. વિંદ્યગિરિ પર્વત પર ચડવા માટે ૬૪૭ પગથિયાં છે. પર્વત ઉપર અન્ય નાના-મોટાં ૮ જિનમંદિરો છે.

વિંદ્યગિરિની સામેની બાજુએ ચિક-બેટા (નાનો-પર્વત)- ચંદ્રગિરિ પર્વત આવેલો છે. ચંદ્રગિરિનું નામ ઇ.સ.ની 3જી સદીમાં થયેલ ચંદ્રગુપ્ત મૌર્યના નામ પરથી રાખવામાં આવેલ છે. આ પર્વત પર ચડવા માટે ૧૯૨ પગથિયાં છે. પર્વત ઉપર ઇ.સ.ની ૯મી સદીમાં નિર્માણ પામેલા નાના-મોટાં ૧૮ જિનમંદિરો છે. શ્રી નેમિનાથભગવાન જિનમંદિરમાં નેમિનાથભગવાનના જીવન પર આધારિત સુંદર ભિંતચિત્રો કોતરવામાં આવ્યા છે. ખુલ્લા મેદાનમાં શ્રી ભરતેશમુનિરાજની ભવ્ય પ્રતિમા છે. અહીંથી સામે વિંદ્યગિરિ પર્વતપર બિરાજમાન ભગવાન બાહુબલીના અદ્‍ભુત દર્શન થાય છે. ચંદ્રગિરિ પર્વતની પ્રાચીનતા ભદ્રબાહુગુફા, ભદ્રબાહુ-ચરણપાદુકા અને ઇ.સ.ના છઠ્ઠા સૈકામાં લખાયેલા શિલાલેખો પરથી સિદ્ધ થાય છે.

જિનમંદિરો અહીં "બસદિ અથવા વસતિ" તરીકે ઓળખાય છે. તળેટીમાં જૈનમઠની આસપાસ પ્રખ્યાત ભંડારા બસદિ, માનસ્થંભ, અક્કાન બસદિ, મંગા બસદિ, સિદ્ધાંત બસદિ, નગર જિનાલય તથા કલ્યાણી મંદિરો આવેલાં છે.

શ્રવણબેલગોલા જૈન સંસ્કૃતિનું ધામ હોવાથી અહીં એક "રાષ્ટ્રિય પ્રાકૃત સંશોધન કેન્દ્ર"ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા લગભગ ૬૦૦૦ જેટલા તાડપત્ર તથા પાંડુલિપિની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી કરે છે. પુસ્તકાલયમાં લગભગ ૨૦૦૦૦ શાસ્ત્રોનો ભંડાર છે. સંસ્થા દ્વારા જૈન દર્શન, ઇતિહાસ, કળા, સાહિત્ય તથા પ્રાકૃત ભાષા વિષયક શિક્ષણ પણ આપવામાં આવે છે. અહીં પ્રાચીન જૈનાગમો-જેવા કે ગોમટ્ટસાર, તિલોયપણ્ણત્તિ, આદિપુરાણ વગેરે પાંડુલિપિમાં ઉપલબ્ધ છે.
જૈનમઠ દ્વારા સંચાલિત ધર્મશાળા અને ભોજનશાળાનું એક વિશાળ સંકુલ છે. જેમાં નૂતન "શ્રી કાનજીસ્વામી યાત્રિક નિવાસ"નો પણ સમાવેશ થાય છે. સંકુલની નજીક એક સંગ્રહાલયમાં શ્રી ભરત-બાહુબલીની કથા પર આધારિત ચિત્રો તથા મહામસ્તકાભિષેકમાં વપરાતા મહાકુંભ વગેરેનું સુંદર પ્રદર્શન રાખવામાં આવેલ છે.

-------
વિક્રમ સંવત ૨૦૧૫. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા શ્રવણબેલગોલાની પ્રથમવારની યાત્રા

મહા વદ ૯ની સવારમાં પૂ. ગુરુદેવ હાસનથી શ્રવણબેલગોલા આવી પહોંચ્યા. સ્વાગત બાદ તુરંત પૂ.ગુરુદેવ સંઘસહિત બાહુબલી ભગવાનની યાત્રા માટે વિંદ્યગીરી પર્વત ઉપર પધાર્યા... ખૂબ જ રળિયામણો આ પર્વત લગભગ ૬૦૦ પગથિયા ઊંચો છે, ને પા કલાકમાં ઉપર પહોંચી જવાય છે... ઉપર જઈને ૫૭ ફૂટ ઊંચા બાહુબલીનાથને નીહાળતાં જ ગુરુદેવ આશ્ચર્ય અને ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા... ખૂબ જ ભાવપૂર્વક ફરી ફરીને એ વીતરાગી નાથને નીહાળ્યા... ને એ વીર-વૈરાગી બાહુબલીનાથના દર્શન કરી-કરીને ઘણો આનંદ વ્યક્ત કર્યો. ગુરુદેવની સાથે બાહુબલીનાથની યાત્રા કરતાં બેનશ્રીબેનને પણ ખૂબ જ ઉલ્લાસ અને ભક્તિભાવ જાગતા હતા. પ્રથમ બાહુબલી પ્રભુનું સમૂહપૂજન થયું... ત્યારબાદ પૂ. ગુરુદેવે બાહુબલી ભગવાનની ભક્તિ (ઐસે ઋષભનંદન દેખેં વનમેં.... ઇત્યાદિ) કરાવી. પછી પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી.

ત્યારબાદ ગુરુદેવે ફરી ફરીને બાહુબલી ભગવાનનાં દર્શન કર્યા... અને અનેકવિધ ભક્તિભર્યા ઉદગારો કાઢ્યા. પર્વત ઉપર બિરાજમાન બીજા અનેક ભગવંતો, શિલાલેખો વગેરેનાં પણ દર્શન કર્યાં.... આમ ઘણા આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવથી શ્રવણબેલગોલામાં બાહુબલી ભગવાનની યાત્રા કરીને, સંઘસહિત ગુરુદેવ નીચે પધાર્યા.

બાહુબલીનાથની યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો.

બપોરે પ્રવચન વખતે પણ ગુરુદેવ બાહુબલી ભગવાનનો મહિમા વર્ણવીને યાત્રાનો હર્ષ વ્યક્ત કરતા હતા. શ્રવણબેલગોલા ગામમાં પણ અનેક જિનમંદિરો છે; રાત્રે ચોવીસ ભગવંતોના મંદિરમાં ભક્તિ થઈ હતી.

ચંદ્રગીરીની યાત્રા

મહા વદ દશમની સવારમાં પૂ. ગુરુદેવ સંઘસહિત શ્રવણબેલગોલાની બીજી પહાડી ચંદ્રગીરીની યાત્રાએ પધાર્યા. આ પહાડી ઉપર લગભગ ૧૪ પ્રાચીન જિનમંદિરો, અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો, તેમ જ ભદ્રબાહુસ્વામીની ગુફા છે. આ પર્વત ૫૦૦ મુનિઓનું સમાધિસ્થાન છે. એક મંદિરમાં પાર્શ્વપ્રભુના મોટા પ્રતિમાજી છે. બીજા એક મંદિરમાં-કે જે ચામુંડ રાજાનું બંધાવેલું છે તેમાં-ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના જીવન સંબંધી પ્રાચીન ચિત્રો કોતરેલા છે. પર્વત ઉપર આ મંદિર સૌથી જૂનું છે, અને શ્રીનેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીએ ગોમટ્ટસારની રચના આ મંદિરમાં કરી હતી. મંદિરોના દર્શન બાદ શાંતિનાથ પ્રભુની-કે જે લગભગ ૧૫ ફૂટ ઊંચા છે-તેમની સન્મુખ પૂજન-ભક્તિ થયા હતા. અહીંના અનેક પ્રાચીન શિલાલેખો માં - કે જે કન્નડી લિપિમાં છે, તેમાં-કુંદકુંદાચાર્યદેવનો અતિ આદરપૂર્વક ઉલ્લેખ છે. એક શિલાલેખમાં તેઓશ્રીને "તત્કાલીન અશેષ તત્વોના જ્ઞાતા" કહ્યા છે. આ ઉપરાંત "वंद्यो विभुर्भ्भुवि न कैरिह कौण्डकुन्दः" ઇત્યાદિ જે શિલાલેખ સમયસાર વગેરેમાં છપાયેલા છે તે શિલાલેખ અહીંના પાર્શ્વપ્રભુના મંદિરમાં ડાબા હાથ ઉપર છે. તેનું ઘણા ભાવપૂર્વક ગુરુદેવે અને ભક્તોએ અવલોકન કર્યું હતું. ત્યારબાદ ભદ્રબાહુ સ્વામીની ગુફા જોઈ કે જેમાં ભદ્રબાહુ સ્વામીના પ્રાચીન ચરણકમળ છે. ત્યાં પણ દર્શન કરીને અર્ઘ ચડાવ્યો.
 

Next

 
       Copyright Vitragvani. All rights reserved.       Site best viewed in 1024 x 768 resolution or higher      Home | Contact Us | Useful LinksSite Map