Javascript Menu by Deluxe-Menu.com
 

 

ગુજરાતી  |  हिन्दी  |  English     
 

પોન્નુર - Page 1

 

"પોન્નુર ગિરિ તીર્થ"

શ્રીમદ્‍ભગવત્કુંદકુંદાચાર્યની સાધના-તપોભૂમિ "નિલગિરિ" પર્વત "પોન્નુર હીલ"ના નામથી પ્રસિદ્ધ છે. હીલ પર ચડવા માટે ૩૨૫ પગથિયાં છે અને ઉપરમાં શ્રી કુંદકુંદાચાર્યના ચરણપાદુકા બિરાજમાન કરવામાં આવ્યા છે. ચરણપાદુકાની દક્ષિણદિશામાં બે પ્રાકૃતિક ગુફાઓ આવેલી છે. પર્વતની પશ્ચિમ દિશામાં ૫ કિ.મી. દૂર પોન્નુર ગામ છે, ત્યાં અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર છે. પહાડની તળેટીમાં પણ એક વિશાળ દિગંબર જિનમંદિર છે જેમાં ધાતુના અનેક સુંદર જિનપ્રતિમાઓ બિરાજમાન છે.

પૂજ્ય ગુરુદેવશ્રીએ વિ.સં. ૨૦૧૫માં અહીં પ્રથમવાર સંઘસહિત યાત્રા કરી હતી. ત્યારબાદ અનેક મુમુક્ષુઓએ આ પોન્નુરતીર્થના યાત્રા-દર્શનનો લાભ લીધો છે. મુમુક્ષુઓની એવી ભાવના રહેતી કે વ્હાલા ગુરુદેવશ્રીનાં પણ ઉપકારી એવા શ્રીમદ્‍ભગવત્કુંદકુંદાચાર્યની તપોભૂમિ, વિદેહગમન સ્થળ અને શ્રી સમયસારાદિ પરમાગમોની અક્ષરદેહભૂમિ એવા પોન્નુરગિરિતીર્થમાં વિદેહીનાથ શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બને તો વિદેહીનાથ સીમંધરસ્વામી, સદેહે વિદેહના યાત્રિક કુંદકુંદમહારાજ અને વિદેહથી પધારેલ જીવો વચ્ચેનો સેતુ બંધાઈ જાય. મુમુક્ષુઓની ઉત્તમ ભાવનાના ફળ સ્વરૂપે વિક્રમ સંવત ૨૦૦૪માં પોષ સુદ ૧૦ના મંગલ દિવસે અહીં તળેટીમાં "શ્રી સીમંધરસ્વામી દિગંબર જિનમંદિર"ની સ્થાપના તઈ, જેમાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં જ પવિત્ર કરકમળો વડે પંચકલ્યાણક થયેલ શ્રી આદિનાથસ્વામી, શ્રી મહાવીરસ્વામી તથા શ્રી સીમંધરસ્વામી વગેરે જિનબિંબોની વિધિપૂર્વક વેદિપ્રતિષ્ઠા કરવામાં આવી. જિનાલયના સંકુલમાં એક સ્વાધ્યાય હોલ, ગ્રંથાલય, યાત્રિનિવાસ, ભોજનાલય વગેરેનું પણ નિર્માણ થયું છે.

આ ક્ષેત્રમાં "આચાર્ય કુંદકુંદ જૈન સંસ્કૃતિ કેન્દ્ર" ચલાવવામાં આવે છે, જેમાં તાડપત્રો તથા પાંડુલિપિનો સંગ્રહ તથા સંરક્ષણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા એક તામિલ માસિક પત્રિકા "અરુગન તત્વામ્" અને દ્વિમાસિક અંગ્રેજી પત્રિકા "AKKER NEWS" પ્રકાશિત થાય છે અને શિબિર, પ્રવચનો વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.

------------
વિક્રમ સંવત ૨૦૧૫. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરધામની પ્રથમવારની ઉલ્લાસભરી યાત્રા.

લગભગ ૯ વાગે પોન્નુર પહોંચી ગયા હતાં. અહીં એક નાનકડો ખૂબ જ રળિયામણો પર્વત છે... આ પર્વત કુંદાકુંદાચાર્યદેવની તપોભૂમિ છે. તેઓશ્રી અહીં ધ્યાન કરતા હતા... એટલું જ નહીં, પરંતુ તે ઉપરાંત તેઓશ્રી અહીંથી વિદેહક્ષેત્રે ગયા હતા ને અહીં જ પરમાગમોની રચના કરી હતી. આવી કુંદકુંદપ્રભુની પવિત્ર ભૂમિમાં આવતાં ગુરુદેવ વગેરે સૌને ઘણો જ આનંદ થયો... અનેક ચંપાના વૃક્ષોથી એ પોન્નુર ધામ શોભી રહ્યું છે... 'પોન્નુર'નો અર્થ થાય છે 'સુવર્ણનો ડુંગર'. તેના ઉપર કુંદકુંદાચાર્યદેવના મહામંગળ ચરણપાદુકા છે. કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોના પ્રતાપે આ પોન્નુરધામ સુવર્ણના ડુંગર કરતાં પણ વધારે સુશોભિત લાગે છે. પૂ. ગુરુદેવ ચાલીને પર્વત ઉપર ચડી ગયા... પર્વત ચડતાં દસેક મિનિટ લાગે છે... પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાંતાબેન પણ ચાલીને પર્વત ઉપર ચડ્યા હતા, ને પર્વતનું દ્રશ્ય જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા.

પર્વત ઉપર આવીને ગુરુદેવે ઘણા ભાવથી એ પવિત્ર ક્ષેત્રનું અવલોકન કર્યું. પર્વત ઉપર ચંપાના પાંચ વૃક્ષો છે... જ્યાં કુંદકુંદપ્રભુના ચરણકમળ સ્થાપિત છે તેની બરાબર ઉપર એક ચંપાનું ઝાડ છે ને તેના ઉપરથી ખરતાં ચંપા-પુષ્પો કુદરતે કુંદકુંદપ્રભુના ચરણો ઉપર પડે છે. - એ રીતે એ ચંપા-પુષ્પો કુંદકુંદપ્રભુની જગત્પૂજ્યતા પ્રસિદ્ધ કરી રહ્યા છે. શરૂઆતમાં ઘણા ભાવથી કુંદકુંદાચાર્યદેવનું સમુહ પૂજન થયું. ઉત્સાહભર્યા પૂજન બાદ ગુરુદેવે ઘણા જ ભક્તિભાવથી નીચેનું સ્તવન ગવડાવ્યું.

એવા કુંદપ્રભુ અમ મંદિરિયે...
એવા આતમ આવો અમ મંદિરિયે...
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યું...
જેણે વન જંગલમાં શાસ્ત્ર રચ્યું...
ઓમકાર ધ્વનિનું સત્વ સાધ્યું.....
-એવા કુંદપ્રભુ અમ મંદિરિયે.
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા...
જેણે જીવનમાં જિનવરને દેખ્યા...
જેણે જીવનમાં સીમંધરપ્રભુ દેખ્યા...
- એવા કુંદપ્રભુ અમ મંદિરિયે.

- ઇત્યાદિ ભક્તિ ઘણા જ ભાવપૂર્વક થઈ હતી... ગુરુદેવના મુખે કુંદકુંદપ્રભુની આવી સરસ ભક્તિ સાંભળતાં બેનશ્રીબેન વગેરેને ઘણો જ હર્ષ થતો હતો. કુંદકુંદપ્રભુના ધામની આ યાત્રાથી ગુરુદેવને તેમ જ એકેએક ભક્તજનને હૃદયમાં અદ્‍ભુત ભક્તિ ને ઉલ્લાસની ઉર્મિઓ ઉછળતી હતી.
ભક્તિ પછી, કુંદકુંદપ્રભુના આ પવિત્ર ધામની ગુરુદેવની સંઘ સહિત મહાન યાત્રાના એક સંભારણા નિમિત્તે અહીં કુંદકુંદપ્રભુના ચરણકમળ ઉપર એક મંડપ બંધાવવાનો વિચાર થતાં તે માટે ફંડ થયું હતું. તેમાં ચારેક હજાર રૂ. થયા હતા; જેમાં ૧૫૫૫ રૂ. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર-સોનગઢ તરફથી જાહેર કરવામાં આવ્યા હતા.
 

Next

`
       Copyright Vitragvani. All rights reserved.       Site best viewed in 1024 x 768 resolution or higher      Home | Contact Us | Useful LinksSite Map